15 જૂન, 2020
અમને એ જાહેર કરતા આનંદ થાય છે કે અમે આજથી બ્રાઝિલના WhatsApp વાપરનાર લોકો માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા લાવી રહ્યા છીએ. લોકો સુરક્ષિત રીતે પૈસા મોકલી શકશે અથવા તેમની ચેટમાંથી બહાર નીકળ્યા વગર લોકલ બિઝનેસ પાસેથી ખરીદી કરી શકશે.
1 કરોડથી વધુ નાના અને માઇક્રો બિઝનેસ બ્રાઝિલના સમાજની જીવાદોરી છે. સવાલોના જવાબ મેળવવા બિઝનેસને સીધી પૂછપરછ કરવી એ ગ્રાહકોના સ્વભાવમાં વણાઈ ગયું છે. હવે સ્ટોરના કેટલોગને જોવા ઉપરાંત ગ્રાહકો પ્રોડક્ટની ખરીદી બદલ પેમેન્ટ પણ મોકલી શકશે. પેમેન્ટની લેવડ-દેવડ સરળ બનાવવાથી વધુ બિઝનેસને ડિજિટલ અર્થતંત્રમાં લાવવામાં અને વિકાસની નવી તકો ખોલવામાં મદદ મળી શકે છે.
વધુમાં, અમે તમારા પ્રિયજનોને પૈસા મોકલવાનું મેસેજ મોકલવા જેટલું જ સરળ બનાવી રહ્યા છીએ, જ્યારે લોકો એકબીજાથી દૂર રહેતા હોય ત્યારે આનાથી મહત્ત્વનું બીજું કંઈ ન હોઈ શકે. WhatsApp પર પેમેન્ટની સુવિધા Facebook Pay દ્વારા સંચાલિત હોવાથી, ભવિષ્યમાં અમે લોકો અને બિઝનેસની સગવડ માટે Facebookની તમામ ઍપ્લિકેશનોમાં એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની સુવિધા આપવાનું વિચારી રહ્યા છીએ.
અમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેમેન્ટની સુવિધા બનાવી છે અને બિનસત્તાવાર વ્યવહારોને અટકાવવા માટે ખાસ છ અંકોનો પિન અથવા ફિંગરપ્રિન્ટ નાખવી જરૂરી રહેશે. શરૂઆતમાં, અમે Visa અને Mastercard નેટવર્ક પર Banco do Brasil, Nubank અને Sicrediના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરીશું અને તે માટે અમે બ્રાઝિલના અગ્રણી પેમેન્ટ પ્રોસેસર Cielo સાથે મળીને આ સુવિધા આપવા માટે કામ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં વધુ પાર્ટનરોને આવકારવા અમે બધા અપનાવી શકે એવું મોડલ બનાવ્યું છે.
WhatsApp પર પૈસા મોકલવા કે ખરીદી કરવા માટે અમે લોકો પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેતા નથી. ગ્રાહકોનું પેમેન્ટ મેળવવા માટે પ્રોસેસિંગ ફી જે તે બિઝનેસ ચૂકવશે, જેમ તેઓ ક્રેડિટ કાર્ડના વ્યવહારો સ્વીકારતી વખતે કરતા હશે એવી જ રીતે.
આજથી સમગ્ર બ્રાઝિલના લોકો માટે WhatsApp પર પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે અને આગળ જતાં આ સુવિધા દરેક માટે સુલભ બનાવવી એ અમારું લક્ષ્ય છે.