15 જાન્યુઆરી, 2021
અમારી નવી અપડેટને લઈને ઊભી થયેલી મુંઝવણ વિશે અમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે. ઘણી અફવાઓ ફેલાઈ હોવાથી ચિતા વધી ગઈ છે અને અમે દરેકને અમારા સિદ્ધાંતો અને હકીકતો સમજવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.
WhatsAppને એક સરળ આશયથી બનાવવામાં આવ્યું હતું: તમે જે કંઈ તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો એ ફક્ત તમારી વચ્ચે જ રહે. એટલે કે અમે તમારી વ્યક્તિગત વાતચીતોને હંમેશાં શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) દ્વારા સુરક્ષિત રાખીશું, જેથી WhatsApp અને Facebook બન્નેમાંથી કોઈ પણ આ પ્રાઇવેટ મેસેજ જોઈ ના શકે. એટલે જ અમે કોણ કોને મેસેજ કે કૉલ કરે છે એનો રેકોર્ડ રાખતા નથી. તમે શેર કરેલું લોકેશન પણ અમે જોઈ શકતા નથી અને તમારા સંપર્કોને Facebook સાથે શેર કરતા નથી.
આ અપડેટ સાથે, એમાંનું કંઈ પણ બદલાઈ રહ્યું નથી. એને બદલે, નવી અપડેટમાં તો લોકો માટે WhatsApp પર કોઈ બિઝનેસને મેસેજ મોકલવાના નવા વિકલ્પોનો સમાવેશ કરાયો છે અને અમે કેવી રીતે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરીએ છીએ તેના વિશે તેમાં વધુ પારદર્શિતા પૂરી પાડવામાં આવી છે. ખરું કે આજે દરેક વ્યક્તિ WhatsApp પર બિઝનેસ પાસેથી ખરીદી કરતી નથી, પરંતુ અમે માનીએ છીએ કે આવનારા સમયમાં ઘણા લોકો આવું કરવાનું પસંદ કરશે અને એ જરૂરી છે કે લોકો આ સેવાઓથી વાકેફ હોય. આ અપડેટ Facebook સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતામાં વધારો કરતી નથી.
અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવશે. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહિ. WhatsApp પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે તેને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણું બધું કરવા જઈ રહ્યાં છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને તે પહેલાં તેઓને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.
દુનિયાભરમાં લોકો માટે શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) લાવવા માટે WhatsAppએ મદદ કરી હતી તથા હાલમાં અને ભવિષ્યમાં પણ આ સુરક્ષા ટેક્નોલોજીનો બચાવ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે એવી દરેક વ્યક્તિના આભારી છીએ જેણે અમારો સંપર્ક સાધ્યો છે તથા હકીકત પહોંચાડવામાં અને અફવાઓને ફેલાતી રોકવામાં અમારી મદદ કરી છે. WhatsAppને પ્રાઇવેટ રીતે વાતચીત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બનાવવા માટે અમે અમારાથી બનતું બધું કરીશું.