પોતાને ગમતા નાના બિઝનેસ સાથે લોકોને WhatsApp પર વાત કરવાનું ગમે છે, પણ પ્રોડક્ટની જાણકારી મેળવવા માટે ઘણા મેસેજ અને ફોટાની આપલે પણ એક કંટાળાજનક કામ છે. આજે, WhatsApp Business ઍપમાં કેટલોગની સુવિધા ઉમેરીને અમે બિઝનેસ દ્વારા વેચવામાં આવતી પ્રોડક્ટ અને સેવાઓની જાણકારી મેળવવાનું સરળ બનાવી રહ્યા છીએ.
કેટલોગથી બિઝનેસ પોતાનો માલસામાન મોબાઇલ પર દર્શાવી અને શેર કરી શકે છે, જેથી લોકો તેમને ગમતી ચીજવસ્તુઓ સરળતાથી જોઈ અને ખરીદી શકે. પહેલાં બિઝનેસને ફોટા મોકલવા પડતા હતા અને વારેવારે જાણકારી આપવી પડતી હતી — હવે, ગ્રાહકો WhatsAppમાં જ આખું કેટલોગ જોઈ શકશે. આનાથી એક અસલ ધંધાદારની છાપ પડશે અને બધાં કામ ચેટથી જ કરી શકાશે. વધુમાં, ગ્રાહકોને જાણકારી મેળવવા વેબસાઇટ પર પણ જવું નહિ પડે.
જેમ કે, ઇન્ડોનીશિયામાં ચાલતો ટકાઉ ઔષધ અને મસાલાનો બિઝનેસ, Agradaya. અમે તેના સ્થાપક અંધિકા મહાર્દિકાને થોડા વહેલા કેટલોગની સુવિધા વાપરવા આપી હતી અને તેમણે અમને જણાવ્યું કે કેટલોગથી ગ્રાહકો માટે ફોટા જોઈને પ્રોડક્ટની જાણકારી મેળવવાનું અને તેની કિંમત જાણવાનું સરળ બની જાય છે — જે તેમના ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે ખૂબ મહત્ત્વનું છે.
કેટલોગની દરેક વસ્તુ માટે, બિઝનેસ કિંમત, વર્ણન અને પ્રોડક્ટ કોડ સહિતની જાણકારી ઉમેરી શકે છે. બિઝનેસ અને ગ્રાહકો બન્નેના ફોન પર કીમતી જગ્યા બચે તે હેતુથી WhatsApp આ કેટલોગ પોતાના સર્વર પર રાખે છે.
WhatsApp Business ઍપમાં કેટલોગ બનાવવું ખૂબ સરળ છે. શરૂ કરવા આ વીડિયો જુઓ:
હાલમાં, કેટલોગની સુવિધા બ્રાઝિલ, જર્મની, ભારત, ઇન્ડોનીશિયા, મેક્સિકો, યુ.કે. અને યુ.એસ.માં Android અને iPhone પર WhatsApp Business ઍપ વાપરતા બિઝનેસ માટે ઉપલબ્ધ છે. થોડા જ વખતમાં તેને દુનિયાનાભરમાં ઉપલબ્ધ કરાવાશે. અમે જાણવા આતુર છીએ કે કેટલોગ કેવી રીતે નાના બિઝનેસને પોતાના ગ્રાહકો સાથે જોડાવામાં અને ધંધો વધારવામાં મદદરૂપ બને છે.
7 નવેમ્બર, 2019