18 ફેબ્રુઆરી, 2021
આજે અમે જણાવવા માગીએ છીએ કે અમે કેવી રીતે અમારા WhatsApp વપરાશકર્તાઓને અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી વાંચીને તપાસવા તથા સ્વીકારવા માટે સૂચિત કરીશું. આ વર્ષની શરૂઆતમાં, આ અપડેટ વિશે અમારે ઘણી અફવાઓનો સામનો કરવો પડ્યો હતો અને અમે આવી કોઈ પણ જાતની ગૂંચવણ દૂર કરવા માટે ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છીએ.
અમે WhatsApp પર બિઝનેસ સાથે ચેટ કે ખરીદી કરવાની નવી રીતો વિકસાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવો કે નહિ તેનો નિર્ણય સંપૂર્ણપણે વપરાશકર્તાઓ પાસે જ રહેશે. પર્સનલ મેસેજ હંમેશાં શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ) જ રહેશે, જેથી WhatsApp તેને વાંચી કે સાંભળી ન શકે.
અમારી નવી અપડેટ વિશે વધુ સ્પષ્ટતાથી તમને કેવી રીતે જણાવી શક્યા હોત તે વિશે અમે ચિંતન કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનના બચાવ માટે અમે શું કર્યું છે તેનો ઇતિહાસ દરેક વ્યક્તિ જાણે અને અમારા પર પૂર્ણ વિશ્વાસ રાખે, કેમ કે લોકોની પ્રાઇવસી અને સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે હવે 'સ્ટેટસ'ની સુવિધાનો ઉપયોગ કરીને અમારા સિદ્ધાંતો અને નવી અપડેટ સીધી WhatsAppમાંથી જ તમારી સાથે શેર કરી રહ્યા છીએ. અમે અમારી વાતને લોકો સુધી સ્પષ્ટપણે પહોંચાડીશું, જેથી કોઈ પણ જાતની ગૂંચવણ ઊભી ન થાય.
આવનારા અઠવાડિયાઓમાં, અમે WhatsAppમાં જ વધુ માહિતી સાથેનું બેનર દર્શાવીશું, જેથી લોકો નિરાંતે તેને વાંચી શકે. અમે લોકોના સવાલો અને ચિંતાઓનો ઉકેલ લાવવાના પ્રયત્નના ભાગરૂપે વધુ માહિતીનો સમાવેશ પણ કર્યો છે. અમે વિનંતી સહ લોકોને યાદ અપાવવાનું શરૂ કરીશું કે WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માટે આ અપડેટને વાંચીને તપાસે અને સ્વીકારે.
અમને લાગે છે કે લોકો માટે એ જાણવું પણ જરૂરી છે કે અમે WhatsAppને કેવી રીતે મફતમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. દરરોજે લાખો લોકો બિઝનેસ સાથે ચેટ શરૂ કરે છે, કેમ કે WhatsApp પર ચેટ કરવી એ ફોન કે ઇમેઇલ કરવા કરતાં ઘણું સરળ અને સગવડભર્યું છે. WhatsApp પર ગ્રાહક સેવા પૂરી પાડવા માટે અમે બિઝનેસ પાસેથી ચાર્જ લઈએ છીએ - લોકો પાસેથી નહિ. કેટલીક ખરીદીની સુવિધાઓ Facebookથી જોડાયેલી હોય છે, જેથી બિઝનેસ જુદીજુદી ઍપ પર પોતાના સ્ટોકની ભાળ રાખી શકે. અમે વધુ માહિતી સીધી WhatsAppમાં જ બતાવી દઈએ છીએ એટલે લોકો નક્કી કરી શકે કે તેઓને બિઝનેસ સાથે વાત કરવી છે કે નહિ.
અમે સમજીએ છીએ કે આ સમય દરમિયાન કેટલાક લોકો બીજી ઍપ શું ઑફર કરે છે તે જાણવા તેને અજમાવી શકે છે. અમે જોયું છે કે અમારી કેટલીક હરીફ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે તેઓ લોકોના મેસેજ જોઈ શકતા નથી, પણ અમે તમને જણાવવા માગીએ છીએ કે જો કોઈ ઍપ શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મૂળભૂત રીતે ઑફર ન કરતી હોય, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા મેસેજ વાંચી શકે છે. બીજી બધી ઍપનું એવું કહેવું છે કે તેઓની ઍપ બહેતર છે કેમ કે તેઓ WhatsAppની તુલનાએ ઓછી માહિતી મેળવે છે. WhatsAppની પાસે બહુ મર્યાદિત ડેટાનો એક્સેસ હોય છે, એ પણ અમે તમને સુરક્ષિત અને ભરોસાપાત્ર સેવા પૂરી પાડી શકીએ તે માટે જ, અમારું માનવું છે કે લોકો પણ આવી જ ઍપની શોધમાં હોય છે જે સુરક્ષિત હોય અને જેના પર તેઓ ભરોસો કરી શકે. અમે અમારા નિર્ણયો પર ગંભીરતાથી વિચાર કરીએ છીએ અને આ જવાબદારીઓને સંતોષવા માટેની નવી રીતો વિકસાવતા રહીશું, જેમાં ઓછામાં ઓછી માહિતીનો ઉપયોગ થાય.
અમે એ બધા લોકોના આભારી છીએ જેમણે ચિંતાઓનો ઉકેલ લાવવામાં અમારી મદદ કરી અને કોઈ પણ સવાલનો જવાબ આપવા ઉપલબ્ધ રહ્યા. અમે 2021માં ઘણું લાવી રહ્યા છીએ અને આવનારા અમુક અઠવાડિયાઓ અને મહિનાઓમાં તેની જાણકારી તમારી સાથે શેર કરવા માટે આતુર છીએ.