3 ઑક્ટોબર, 2016
આજે અમે તમે વિશ્વભરમાં મિત્રો અને કુટુંબીજનો સાથે જે ફોટા અને વીડિયો શેર કરો છો તેને કસ્ટમાઇઝ કરવા અને બહેતર બનાવવાની નવી રીતો પ્રસ્તુત કરી રહ્યા છીએ. WhatsAppના કેમેરાની નવી સુવિધાઓ વડે, તમે હવે ફોટા અને વીડિયો પર લખી શકો છો અને દોરી શકો છો, તેમજ સ્વયંને અભિવ્યક્ત કરવા માટે ઇમોજી ઉમેરી શકો છો.
જ્યારે તમે નવો ફોટો અથવા વીડિયો કેદ કરો છો અથવા તમારા ફોનમાં પહેલાંથી જ હોય તેવા કોઈ એકને શેર કરો છો, ત્યારે તમને ફેરફાર કરવાનાં નવાં ટૂલ આપમેળે દેખાશે. તમને કોઈની કેટલી બધી યાદ આવે છે તે બતાવવા તમે એક મોટું દિલ દોરી રહ્યા હો કે પછી તમારું મનપસંદ ઇમોજી ઉમેરી રહ્યા હો - ક્યારેક ફોટો ખરેખર હજારો શબ્દના મૂલ્યની બરાબર હોય છે. ટેક્સ્ટ ઉમેરીને પણ જુઓ અને રંગ તથા ફોન્ટ સ્ટાઇલ બદલીને જુઓ.
WhatsApp કેમેરા સુવિધા હવે ફ્રન્ટ-ફેસિંગ ફ્લેશને સપોર્ટ કરે છે, તેથી તમે પર્ફેક્ટ સેલ્ફી લઈ શકો છો. ઓછા પ્રકાશમાં અને રાતના સમયે, આ તમારી સ્ક્રીનને પ્રકાશમય કરી દેશે અને તમારા ફોટાની ગુણવત્તાને બહેતર બનાવશે. અમે વીડિયો રેકોર્ડ કરવા માટે ઝૂમ કરવાની સગવડભરી સુવિધા પણ ઉમેરી છે - ઝૂમ ઇન અને આઉટ કરવા માટે બસ તમારી આંગળીને ઉપર અને નીચેની તરફ સરકાવો. અને ફ્રન્ટ અને રીઅર ફેસિંગ કેમેરાની વચ્ચે ઝડપથી સ્વિચ કરવા માટે, સ્ક્રીન પર બે વાર દબાવો.
કેમેરાની આ નવી સુવિધાઓ આજથી Android ફોન પર અને ટૂંક સમયમાં iPhone પર ઉપલબ્ધ કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે જ્યારે તમે તમારા આગલા ફોટા અથવા વીડિયોને શેર કરો ત્યારે તમે આ નવી સુવિધાઓનો આનંદ માણો.