12 ફેબ્રુઆરી, 2020
અમે તે જણાવવા માટે ઉત્સાહિત છીએ કે, આજની તારીખે, વિશ્વભરના 200 કરોડથી વધારે લોકો WhatsApp વાપરે છે.
માતાપિતા, તેમના બાળકો ગમે ત્યાં પણ હોય, તેમના સંપર્કમાં રહી શકે છે. ભાઈબહેન, તેમને ગમતી ક્ષણો શેર કરી શકે છે. સહકર્મીઓ, સહયોગ આપી શકે છે અને ગ્રાહકો સાથે સરળતાથી જોડાઈને બિઝનેસનો વિકાસ થઈ શકે છે.
ખાનગી વાતચીતો, પહેલાં રૂબરૂમાં જ શક્ય હતી પરંતુ હવે ઇન્સ્ટન્ટ ચેટ અને વીડિયો કૉલ દ્વારા ગમે એટલા દૂરથી આ શક્ય છે. એવા ઘણાં મહત્વના અને ખાસ કામ છે જે WhatsApp મારફતે કરવામાં આવે છે અને અમે આ શિખર સર કરવા બદલ નમ્ર અને ગૌરવાન્વિત અનુભવ કરીએ છીએ.
અમે જાણીએ છીએ કે આપણે જેટલા વધુ જોડાઈશું, એટલી જ વધુ સુરક્ષાની આપણને જરૂર પડશે. આપણે આપણું મોટાભાગનું જીવન ઓનલાઇન વિતાવીએ છીએ, ત્યારે આપણી વાતચીત સુરક્ષિત રાખવી તે પહેલાં કરતા વધારે અગત્યનું છે.
આ કારણે જ WhatsApp પર મોકલવામાં આવતા દરેક ખાનગી મેસેજ મૂળરૂપે શરૂથી અંત સુધી સુરક્ષિત છે. સશક્ત એન્ક્રિપ્શન એ તોડી ન શકાય એવા ડિજિટલ લૉક તરીકે કામ કરે છે કે અને WhatsApp પર મોકલવામાં આવતી માહિતીને સુરક્ષિત રાખે છે, જે તમને હેકર અને ગુનેગારોથી રક્ષણ આપે છે. મેસેજ ફક્ત તમારા ફોન પર જ રાખવામાં આવે છે અને તમારી બન્ને વચ્ચેથી કોઈ તમારા મેસેજ વાંચી કે તમારા કૉલ સાંભળી શકતા નથી, અમે પણ નહિ. તમારી અંગત વાતચીતો તમારી બન્ને વચ્ચે જ રહે છે.
આ આધુનિક જીવનમાં સશક્ત એન્ક્રિપ્શન જરૂરી છે. અમે સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરીશું નહિ કે જેનાથી લોકોની સુરક્ષામાં કોઈ ઘટાડો થાય. આનાથી પણ વધુ સુરક્ષા માટે, અમે શ્રેષ્ઠ સુરક્ષા નિષ્ણાતો સાથે કામ કરીએ છીએ, દુરુપયોગ રોકવા માટે ઉદ્યોગોમાં મુખ્યરૂપે વપરાતી ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેમજ નિયંત્રણો અને સમસ્યાઓની જાણ કરવાની રીતો પૂરી પાડીએ છીએ, એ પણ પ્રાઇવસીનો ભોગ આપ્યા વગર.
લોકોને ઉપયોગ માટે સરળ, વિશ્વસનીય અને ખાનગી એવી સેવા બનાવવાના હેતુ સાથે WhatsAppની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે જેટલા અમે પ્રતિબદ્ધ હતા તેટલા જ અમે આજે છીએ અને 200 કરોડથી વધુ વપરાશકારોની અંગતતા અકબંધ રાખીને અમે દુનિયાને જોડીએ છીએ અને તેમની અંગત વાતચીતોને સુરક્ષિત રાખીએ છીએ.