3 એપ્રિલ, 2019
WhatsApp ગ્રૂપથી કુટુંબ, મિત્રો, સહકર્મચારીઓ, સહાધ્યાયીઓ અને બીજા કેટલાંય લોકો સાથે સંપર્કમાં રહી શકાય છે. જેમ જેમ લોકો મહત્ત્વની વાતચીત માટે ગ્રૂપ તરફ વળી રહ્યા છે, તેમ તેમ વપરાશકર્તાઓએ અમને જણાવ્યું છે કે ગ્રૂપમાં જોડાવાના નિર્ણય પર તેઓનું નિયંત્રણ રહેવું જોઈએ. તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે નક્કી કરવામાં મદદ મળી રહે તે માટે આજે અમે એક નવું પ્રાઇવસી સેટિંગ અને આમંત્રણ પદ્ધતિ લઈને આવ્યા છીએ.
તેને ચાલુ કરવા, તમારી ઍપમાં સેટિંગ પર જઈને એકાઉન્ટ > પ્રાઇવસી > ગ્રૂપ પર દબાવો અને ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરો: “બધા,” “મારા સંપર્કો,” અથવા તો “આ સિવાયના મારા સંપર્કો.” “મારા સંપર્કો” પસંદ કરવાનો અર્થ એમ છે કે તમારી એડ્રેસ બુકમાં હોય માત્ર તે જ સંપર્કો તમને ગ્રૂપમાં ઉમેરી શકે અને “આ સિવાયના મારા સંપર્કો”ની પસંદગી તમારા સંપર્કોમાંથી કોણ તમને ગ્રૂપમાં ઉમેરી શકે તે માટે વધારાનું નિયંત્રણ આપે છે.
એવા કિસ્સામાં, તમને ગ્રૂપમાં ઉમેરી શકતા ન હોય એ એડમિનને તમને અંગત ચેટમાં આમંત્રણ મોકલવા માટે પૂછવામાં આવશે, જેથી ગ્રૂપમાં જોડાવું કે નહિ તેની અંતિમ પસંદગી તમારી જોડે રહેશે. તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે 3 દિવસનો સમય હશે, ત્યારબાદ આમંત્રણની લિંક કામ નહિ કરે.
આ નવી સુવિધાથી વપરાશકર્તાઓ પાસે તેઓને મળતા ગ્રૂપ મેસેજ પર વધુ નિયંત્રણ રહેશે. આ નવાં પ્રાઇવસી સેટિંગ કેટલાક વપરાશકર્તાઓને આજથી જ વાપરવા મળશે અને દુનિયાભરમાં આવનારાં દિવસોમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરનારો માટે ઉપલબ્ધ થશે.
અપડેટ: આ સુવિધા પહેલી વખત બહાર પાડી હતી ત્યારે વપરાશકર્તાઓ પાસેથી મળેલા પાતિસાદ પ્રમાણે, અમે “કોઈ નહિ” વિકલ્પની જગ્યાએ નવો “આ સિવાયના મારા સંપર્કો” વિકલ્પ લઈને આવ્યા છીએ. આ વિકલ્પથી તમે પોતાની મરજી મુજબ સંપર્કોને બાકાત રાખી શકશો ક્યાં તો “બધાને પસંદ કરી શકશો”. દુનિયાભરમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરનારાઓ આ અપડેટનો લાભ ઉઠાવી શકશે.
છેલ્લી અપડેટ: 5 નવેમ્બર, 2019